તેલંગણને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વિવાદનો ઉભરો પચાસેક વર્ષ પહેલાં પ્રથમ વખત ચડ્યો એ પછી આજે ફરી વખત એ મુદ્દે રાજકીય પક્ષો આમનેસામને આવી ચડ્યા છે. તેલંગણને આંધ્ર પ્રદેશથી વિખૂટું પાડી તેને અલગ રાજ્ય તરીકે સ્વીકૃતિ અપાવવા માટેની ચળવળ રોજેરોજ જોર પકડી રહી છે. વખત જતાં ચળવળનું જોર કેટલું વધે કે ઘટે તેનો આધાર કેન્દ્ર સરકારની નીતિ પર અવલંબે છે. દરમ્યાન ભાષાવાદના નામે થઇ રહેલી તેલંગણની માગણીના મુદ્દાને પોલિટિકલ પોઇન્ટ બનાવી આગેવાનો તેનો પૂરો લાભ ઊઠાવી રહ્યા છે.
અલબત્ત, રાજકારણને ઘડીભર અભેરાઇએ ચડાવી દો. ભારતની એકતા અને અખંડિતતાના ગુણગાન ગાતું ‘વિવિધતા મેં એકતા’નું પેલું ગોલ્ડન સૂત્ર પણ હમણાં બાજુએ મૂકી દો. તેલંગણને નોખા રાજ્યની ઓળખાણ આપવાની આખી વાતને હવે જુદા સંદર્ભે વિચારો, જેમાં કેન્દ્રસ્થાને રહેલી વાત રાજ્યના સુયોજિત શાસનને લગતી છે તેમજ આર્થિક પ્રગતિની છે--ભાષાવાદની કે પ્રાન્તવાદની નથી. રાજ્યનો ફેલાવો કદમાં નાનો હોય ત્યારે તેની પ્રગતિનો ગ્રાફ કેટલી હદે ઊંચે ચડે તેના એક નહિ, પણ ત્રણ દાખલા નજીકના ભૂતકાળમાં ભારતને જોવા મળ્યા છે. પહેલો દાખલો ઉત્તર પ્રદેશનો છે. નવેમ્બર, ૨૦૦૦ માં તેનો ૫૩,૫૬૬ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ઉત્તરાખંડ નામના અલગ રાજ્ય તરીકે છૂટો પડ્યો એ પહેલાં રાજ્યનો વાર્ષિક વિકાસદર માત્ર ૪.૬% હતો. હકીકતે પંચવર્ષીય યોજના મુજબ ઉત્તર પ્રદેશે ૭% ના દરે આર્થિક વિકાસ સાધવાનો હતો. ઉત્તરાખંડે ૨૦૦૦ની સાલમાં ઉત્તર પ્રદેશથી છેડો ફાડ્યો એ પછી સ્થિતિસંજોગો બદલાયા. આર્થિક મોરચે ઉત્તરાખંડે અણધારી પ્રગતિ સાધી બતાવી. દસમી પંચવર્ષીય યોજનામાં ઉત્તરાખંડ માટે ૬.૮% નો વિકાસદર નક્કી થયો હતો. આને બદલે એ રાજ્યએ ૮.૮% લેખે આર્થિક વિકાસ સાધ્યો એટલું જ નહિ, રાજ્યના લોકોની માથાદીઠ આવક ખાસ્સી વધી હતી.
બીજો દાખલો મધ્ય પ્રદેશનો છે, જે વિભાજન પહેલાં વાર્ષિક ૭.૬% ના નિર્ધારિત વિકાસદરની સામે માત્ર ૪.૩% લેખે ડચકાં ખાતું હતું. આ રાજ્યમાંથી ૧,૩૫,૧૯૪ ચોરસ કિલોમીટરનું છત્તીસગઢ નવેમ્બર, ૨૦૦૦ માં અલગ પડ્યું. નવું રચાયેલું છત્તીસગઢ ત્યાર પછી આર્થિક પ્રગતિના ફાસ્ટ ટ્રેક પર ચડ્યું અને પંચવર્ષીય યોજનામાં અંદાજવામાં આવેલા ૬.૧% ના વિકાસદર સામે વાર્ષિક ૯.૨% લેખે વિકાસ સાધતું રહ્યું.
બિહારમાંથી છેડો ફાડી ચૂકેલા ઝારખંડના કેસમાં પણ કંઇક આમ જ બન્યું. રાજ્યના ભાગલાં પહેલાં બિહારનો વાર્ષિક વિકાસદર માત્ર ૪.૭% હતો. (પંચવર્ષીય યોજનામાં નક્કી કરાયેલો વિકાસદર ૬.૨% હતો). નવેમ્બર, ૨૦૦૦ માં લગભગ પોણો લાખ ચોરસ કિલોમીટરનું ઝારખંડ રચાયું. થોડાં જ વર્ષમાં ઝારખંડે વાર્ષિક ૧૧.૧% લેખે વિકાસ સાધ્યો.
અગાઉ કહ્યું તેમ ભાષાવાદના કે પ્રાન્તવાદના મુદ્દાને બાયપાસ કરી માત્ર આર્થિક વિકાસને અનુલક્ષી ઉપરોક્ત ત્રણેય દાખલાને મૂલવો તો નિષ્કર્ષ એ નીકળે કે રાજ્યનો પથારો જેટલો નાનો એટલું તેનું વહીવટી સંચાલન વધુ સુગમ બને. કોર્પોરેટ કંપનીની રૂએ રાજ્યનો કારોબાર ચલાવી શકાય અને કાગળ પર આસમાની જણાતા વિકાસદરના આંકડાને વાસ્તવિકતાનું સ્વરૂપ આપી શકાય એટલું જ નહિ, ક્યારેક તે આંકડાનેય ઑવરટેક કરી શકાય. આવતી કાલે આર્થિક સુપરપાવર બનવા માગતા ભારતનું દરેક રાજ્ય આર્થિક વિકાસના મોટા આંકડા સર કરે અને દેશના લોકોની આર્થિક સ્થિતિ સુધરે તો તેથી મોટી આવકારદાયક બાબત કઇ ?
માન્યું કે છેક ૧૯૪૭ થી આપણે ત્યાં જડ કરી ગયેલું જાતિવાદનું, ભાષાવાદનું અને પ્રાન્તવાદનું પોલિટિક્સ હજી ચાલે છે. આજે તેલંગણને અલગ રાજ્ય તરીકેની સ્વીકૃતિ મળે તો આવતી કાલે બીજાં અડધો ડઝન નવાં રાજ્યો એ પોલિટિક્સના જોરે કદાચ ફૂટી નીકળે. એક મુદ્દો જો કે વિચારવા જેવો છે. રાજ્યોની સંખ્યા વધુઓછી હોય તેનાથી છેવટે ફરક શો પડે ? (અમેરિકામાં કુલ પચાસ રાજ્યો છે અને ભારતમાં એક સમયે ૫૬૫ રાજ-રજવાડાં હતાં). રાજ્યનું કદ નાનું રહે અને તેનું વહીવટી સંચાલન કુશળતાપૂર્વક થાય એ વધુ મહત્ત્વની વાત છે, પણ અફસોસ કે ભારતના રાજકારણમાં આવા મૌલિક વિચારોને અવકાશ નથી.
Saturday, January 9, 2010
Subscribe to:
Posts (Atom)